Sunday, July 8, 2012

આદરણીય શ્રી.કેશુભાઈ પટેલ ને એક ખુલ્લો પત્ર !

આદરણીય બાપા,

આશા છે તમને આ સંબોધન થી કોઈ વાંધો નહી હોય. જ્યાર થી તમે આપણા ગુજરાત નાં મુખ્યમંત્રી બન્યા હતાં ત્યાર થી હું તમને આ જ નામે બોલાવી રહ્યો છું અને ગુજરાત નાં લાખો બીજા નાગરિકો પણ કદાચ તમને આ નામે જ બોલાવે છે. 

ચાલો હવે મુદ્દા પર આવું?

આજે સવારનાં લગભગ તમામ છાપાઓ માં તમારું ગુજરાત વિષે નું  “હૃદયદાવક” ચિત્રણ વાંચ્યું. વાંચી ને દુઃખ તો ન થયું પણ ચેહરા પર સ્મિત જરૂર આવ્યું. સોરી બાપા પણ આમાં તમારું અપમાન કરવા નો કોઈ ઈરાદો નથી પણ તમે જોક મારો ને અમે તમારું માન રાખી ને કદાચ હસીએ નહી પણ સ્મિત તો આપીએ ને ? એમાય તમારું “ઠગ-પિંઢારા ” વાળું વાક્ય તો મને બહુ ગમ્યું. મતલબ કે પહેલા તો તમે એમ કીધું કે મોદી શાસન ‘ઠગ-પિંઢારા’ થી ભરપુર છે અને પછી કીધું કે રોજ રોજ તાળા તૂટે છે અને બાળકો નાં અપહરણ થાય છે અને સરકાર એને રોકવા માં નિષ્ફળ ગઈ છે. તો આમાં ‘ઠગ-પિંઢારા’ કોણ એ જરા ચોખ્ખું કરશો? કારણ કે તમે જે “પીળા રૂમાલ ની ગાંઠ” ની વાત કરી છે એ નવલકથા માં કદાચ ક્યાય સરકારો કે રાજાઓ ને ‘ઠગ-પિંઢારા’ નથી કહેવાયા.

બાપા, તમારું ખરેખરું દુઃખ કોઈ થી અજાણ નથી. ગુજરાત ભા.જ.પ ને ઉભી કરવા માં અને આજે છેલ્લા ૧૨-૧૫ વરસ થી જે  મજબુત શાસન ચાલે છે એના પાયા માં તમારું પ્રદાન ખુબ છે એમાં નાં નહી. પણ તકલીફ એ થઇ કે અત્યારે તમને કોઈ ગણકારતું નથી. પણ એની શરૂઆત તો તમે જયારે મુખ્યમંત્રી હતાં ત્યારે જ શરુ થઇ ગઈ હતી. તમારી અત્યારે જે અવગણના થઇ રહી છે એના થી તમે દુખી છો, તો શું તમે તમારા શાસનકાળ માં શંકરસિંહ બાપુ ની અવગણના નહોતી કરી? એને કારણે જ “હજુરિયા વિ. ખજુરીયા” ની જંગ તમારા શાસનકાળ માં થઇ હતી. તમે રામભરોસે શાસન ચલાવ્યું અને હવે બીજો માણસ શાસન ઉપર પૂરી પક્કડ રાખી ને ચલાવે છે તો એ “ભય” કહેવાય? તમારી જગ્યા એ જો શંકરસિંહ બાપુ મુખ્યમંત્રી થયા હોત તો તેઓ પણ આમજ નરેન્દ્રભાઈ ની જેમ ‘કડક શાસન’ ચલાવત અને  એને કારણે કદાચ આજે મોદીસાહેબ હિમાચલ પ્રદેશ માં જ હોત એ વાત પાકે પાયે છે.

તો મુદ્દા ની વાત એ છે કે જે બળવા ને તમે તમારા  સત્તા ન ઘમંડ  ને કારણે ઉદભવવા દીધો અને પછી એને કાબુ માં ન રાખી શક્યા અને તેને કારણે તમારે સત્તા ગુમાવવી પડી એનો ‘રંજ’ તમને હજી છે બાપા! ગુજરાત માં વરસો ની મહેનત ની ફલશ્રુતિ નિમિત્તે મળેલી સત્તા આમ જ જતી રહી એની પીડા તમારા આજકાલ નાં નિવેદનો માં સાફ દેખાઈ રહી છે, પણ વાંક કોનો હતો બાપા? એ દિવસો માં તમે વારંવાર કહેતા કે “મારો શું વાંક?’, જો ત્યારે કોઈ એ તમને મોઢા ઉપર કહી દીધું હોત કે વાંક તમારો જ  છે કેશાબાપા! તો કદાચ આ ઉભરાઓ તમે રોજ રોજ ન ઠાલવતા હોત. તમને ખબર છે કે હવે તમને ફરી થી સી.એમ બનવા નો મોકો નથી મળવાનો અને ઉમર પણ થઇ ગઈ છે એટલે પાર્ટી તમને રાખે કે ન રાખે તમને કોઈ ફર્ક નથી પડતો. 

૨૦૦૨ નાં તોફાનો પછી ગુજરાત માં શાંતિ તો છે જ પણ “જ્ઞાતિવાદ” શોધ્યો જડતો નહોતો. હા સામાજિક સંમેલનો થતાં હતા પણ જુદા જુદા સમાજો નાં રાજકીય સંમેલનો ઓછા કે લગભગ નહીવત હતા. બાપા તમે આ બધું ફરી ચાલુ કરાવ્યું. મને ખબર નથી કે પાટીદારો તમારું કેટલું માનશે? પણ એક ઓ.બી.સી મુખ્યમંત્રી આપણા જેવા ઉજળીયાત લોકો પર રાજ કરે એ તમને નથી ગમતું શું મારે એવું માની લેવું જોઈએ? જયારે આ મુખ્યમંત્રી એ આપણે પટેલ,બ્રાહ્મણ,રાજપૂત,બેકવર્ડ,ઓ.બી.સી નાં ભેદભાવ ભુલાવી ને ફક્ત “ગુજરાતી” હોવાની ઓળખ આપી ત્યારે એમના રાજ નાં ૧૦ વરસ પછી ફરી થી અમને અમારી જ્ઞાતિ-જાતી યાદ દેવડાવા પાછળ તમારો ઉદ્દેશ શું છે બાપા? જો કે આજકાલ અકળ કારણો સર મુખ્યમંત્રી  પણ આવા સંમેલનો માં જવા માંડ્યા છે. 

દરેક મુખ્યમંત્રી પછી ગમે તે પક્ષ નો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પોતાની સિદ્ધિઓ નાં ઢોલ-નગારા વગડાવવા નું ચુકતો નથી. નરેન્દ્રભાઈ એમાં કોઈ અપવાદ નથી, હા કદાચ વધારે સંખ્યા માં ઢોલ નગારા વગડાવે છે એ બાબતે આપણે એકબીજા સાથે સંમત થઇ શકીએ પણ એ ભય નું શાસન ચલાવે છે એ બાબતે હું તમારી સાથે સંપૂર્ણ અસંમત છું. તમે તમારા સમાજ નાં સંમેલનો માં તમારો સમાજ ભય માં જીવી રહ્યો છે એવું કીધું.ગઈ કાલે ‘રોહિત સમાજ’ નાં સંમેલન માં પણ આવું જ કંઈક કીધું. પુ. ગુણવંત શાહ સાહેબ નાં શબ્દો માં કહું તો તમે “સેક્યુલર કર્મશીલો” ની જેમ લઘુમતીઓ પણ ગુજરાત માં ભય થી જીવે છે એમ કેમ ન કીધું? શું એનો સીધો મતલબ એ છે કે તમને ફક્ત તમારા સમાજ ની જ પડી છે? અને બીજા બધા ગયા તેલ લેવા એમ જ ને? સાચું કહું તો તમારા ‘ભય’ ની વ્યાખ્યા કદાચ મારા ‘ભય’ ની વ્યાખ્યા થી તદ્દન જુદી પડે છે. 

તમે એક વાર એવું પણ કીધું હતું  કે અફસરશાહી ‘ભય’ માં જીવે છે. કયો ભય બાપા? સમયસર કામ પતાવવું પડે છે એનો ભય? આપેલું કામ ન પતે અને જવાબ દેવો પડે એટલે લાગતો ભય?  રજાઓ ઓછી થઇ ગઈ એનો ભય? પહેલા ની જેમ મન ફાવે તેમ ‘ખાવા’ નથી મળતું એટલે લાગેલો ‘ભય’? તમારા જમાના ની જેમ ‘હોતી હૈ ચલતી હૈ’ ની ભાવના બંધ કરવી પડી એટલે લાગેલો ભય? મારી જ્ઞાતિ નાં ‘કામો’ નથી થતા એટલે મને ભય લાગે છે બરોબર ને? પણ તમને ખબર છે સરવાળે આ દસ વરસ માં આપણા ગુજરાતીઓ નું જીવનસ્તર કેટલું ઊંચું આવ્યું છે? આપણે રાજ ઠાકરે ની જેમ નફરત નહી પણ પ્રેમ થી ‘હું ગુજરાતી’ છું એમ બોલી શકીએ છીએ. હું તો સોશિયલ નેટવર્ક ઉપર અત્યંત સક્રિય છું, મને ઘણા લોકો એ કીધું છે કે હું ગુજરાત માં રહું છું એટલે હું ‘લકી’ છું. શું આ ‘લકી’ હોવું એ તમારા માટે ‘ભય’ છે? તમે આજકાલ કાયમ  કહો છો કે ‘ડર કે આગે જીત હૈ’. હું તમને સીધો સવાલ પૂછું છું કે કોની જીત? શું તમારી પાસે આ મુખ્યમંત્રી નું માથું ભાંગે એવો કોઈ વિકલ્પ છે? 

મને તો નથી દેખાતો. હું આમ પણ કોઈ પક્ષ ને રાજ કરવા લાયક નથી માનતો,પણ મને પક્ષાપક્ષી થી પર  વ્યક્તિગત રીતે ઘણાં રાજકારણીઓ ખુબ પસંદ છે, નરેન્દ્રભાઈ એમાં નાં એક છે. છાપાઓ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કહે છે  કે ‘ગુજરાત નો વિકાસ મિથ્યા છે’. બની શકે તમને પણ તમારા અંગત કારણો સર એવું લાગતું હોય,પણ જે હું મારી આજુ બાજુ જોઈ રહ્યો છું એને હું કેવી રીતે અવગણી શકું બાપા? ઉત્તર ગુજરાત ની નદીઓ નો મેળાપ નર્મદા નાં નીર થકી થયા છે અને મારા મિત્ર નાં કહેવા પ્રમાણે જ્યાં ૧ ટન ની પણ ઉપજ નહોતી ત્યાં છેલ્લા દસ વર્ષો થી લીલોતરી છવાઈ ગયી છે તો  હું કેવી રીતે કહું કે વિકાસ નથી? 

 જે અમદાવાદ માં હું રહું છું એ અમદાવાદ નો જ નરોડા વિસ્તાર મારા વિસ્તાર થી જોજનો દૂર લાગતો અને બે થી ત્રણ બસો બદલી ને જવું પડતું,  એને બી.આર.ટી.એસ સેવા થી માત્ર ૧ કલાક જેટલો દૂર કરી દીધો અને એ પણ એક પણ બસ બદલ્યા વિના , હું એને કેવી રીતે અવગણી શકું? વર્ષો થી ગીર માં સિંહો છે પણ એક જબરદસ્ત બ્રાંડ એમ્બેસડર લાવી ને ગીર ઉપરાંત સોમનાથ,દ્વારકા,કચ્છ માં દેશ-વિદેશ  નાં સહેલાણીઓ થી ઉભરતા વિસ્તારો કરી દીધા એને હું કેવી રીતે અવગણી શકું? એ બધું ચાલો જવા દઈએ પણ આવડું અમથું કાકરીયું જે ધૂળ ખાતું હતું એને ફરવા લાયક બનાવી દીધું એને હું કેવી રીતે અવગણી શકું?  આવા તો કેટલાય ઉદાહરણો છે પણ તમારો કીમતી સમય મારે બગાડવો નથી.

બાપા અત્યારે તો ભય એક જ છે, કે ક્યાંક આ જ્ઞાતિવાદ નાં રાજકારણ માં આ મુખ્યમંત્રી જતા ન રહે. સાચું કહું તો મને તો એ દિલ્હી જાય એનો પણ ભય લાગે છે . હા જો શંકરસિંહ બાપુ મુખ્યમંત્રી બને તો એમાં પાછો મને કોઈ વાંધો નથી. કારણ કે ગુજરાતીઓ ની ગુજરાતીયત ઓળખાણવા માં શંકરસિંહ બાપુ પણ કમ નથી. પણ એમના પક્ષ માં એટલા બધા મુખ્યમંત્રી બનવા ને લાયક મુરતિયાઓ છે કે એમનો ગજ નહી વાગે. તો પછી આ માણસ શું કામ જવો જોઈએ? ફક્ત એટલા માટે કે અમુક તમુક જ્ઞાતિઓ ને એમના સુક્ષ્મ સ્વાર્થી ઈરાદાઓ થી વંચિત રાખતા હોય? 

છેલ્લે એક વાત કહું? ખોટું ન લગાડતા, પણ ભય કોના થી લાગવો જોઈએ ? જે હમેશા છ કરોડ ગુજરાતીઓ નાં લાભ ની વાત કરતો હોય અને જેની પાસે એ લાભ કરાવવા માટે નો કાર્યલક્ષી કાર્યક્રમ હમેશા તૈયાર હોય એના થી કે એના થી કે જેની પાસે આવો કોઈ કાર્યક્રમ ન હોય અને જયારે એ બાબતે પૂછવા માં આવે ત્યારે એમ કહે કે “પૈસા આવશે તારા બાપ નાં તબેલા માં થી” ?

લી,
આપનો વિશ્વાસુ,
સિદ્ધાર્થ છાયા 

૧૩.૦૫.૨૦૧૨
અમદાવાદ 

Courtesy : Marivaat

No comments: