Showing posts with label Gujarati Gazal. Show all posts
Showing posts with label Gujarati Gazal. Show all posts

Tuesday, February 12, 2013

સાવ અંગત એક સરનામું મળ્યું!

સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,

યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,

સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,

બારણા સામે જ મયખાનું મળ્યું.
- હરિશ્ચન્દ્ર જોશી

Thursday, November 15, 2012

લંબચોરસ ઓરડામાં !

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

- નયન દેસાઈ

Sunday, November 11, 2012

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે; જુદી બંદગી છે નમાજે – નમાજે.

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.

- મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’

Sunday, May 6, 2012

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો, ખુદા છે કે નહી હાક મારી તો જો!

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો

પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો
 
હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો

ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો

છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો.

Monday, April 2, 2012

એવું કેમ છે ?

હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?


ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?


રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?


એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?


પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?


બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?

- કેતન કણસાગરા…..

Sunday, January 22, 2012

સુખ નું સરનામુ આપો !

                   


ગીત 

સુખ નું  સરનામુ આપો….  સુખ નું સરનામુ આપો
જીવનના કોઇ એક પાના પર એનો નકશો  છાપો.
સુખ નું સરનામુ  આપો…….
સૌથી  પહેલા એ સમજાવો   ક્યાંથી નીકળવાનું
કઇ તરફ  આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું
એના   ઘરનો  રંગ  કયો છે   ક્યાં છે એનો ઝાંપો..
સુખ નું સરનામુ  આપો…….
ચરણ   લઇને   દોડું  સાથે   રાખું   ખુલ્લી  આંખો
ક્યાંક   છુપાયું   હોય   આભમાં  તો  ફેલાવું પાંખો
મળતું   હો  જો   મધદરિયે  તો વહેતો મૂકું   તરાપો
સુખ નું સરનામુ  આપો…….
કેટલા    ગાંઉ,   જોજન,   ફલાંગ કહો   કેટલું દૂર
ડગ   માડું..   કે મારું  છલાંગ…. કહો   કેટલું  દૂર
મન   અને   મૃગજળ   વચ્ચેનું અંતર કોઇ માપો
સુખ નું સરનામુ  આપો…….





                          મિત્રો, રંગમંચનો  પ્રભાવ સાંપ્રત  સમાજમા  વરસોથી રહ્યો છે. ઘટેલી ઘટનાઓ, વાર્તાઓ, નાટકો, નૃત્યનાટિકાઓ, શેર- શાયરી, કવિતા, ગીત,  ગઝલ   આ તમામ  સાહિત્ય  અખબારોમા, સામાયિકોમા  કે   પુસ્તકાલયોની   વાંચનસામગ્રીમા  જે તે સમયે   અથવા સમય જતા મળી આવતું હોય છે. પરંતુ  એ જ  સાહિત્ય  ની અભિવ્યક્તિ  કે  રજૂઆત જ્યારે  રંગમંચના તખ્તા પરથી થાય છે  ને ત્યારે ..  ! સમાજના બુધ્ધિશાળી વર્ગને તો આકર્ષે છે પણ સાથે સાથે   સામન્ય અને સરેરાશ માનવીને પણ  સાહિત્યના અને   ભાષાના મૂળ,  ઊંડાણ  અને તત્વ સુધી  આવવા મજબૂર કરે છે.    મિત્રો .. પ્રસ્તૃત  વીડિયો ક્લીપમા  જાણીતા કવિ  ડૉ.શ્યામલ મુન્શીનુ આ ગીત  એમનાજ  સ્વરમા મે જ્યારે મુશાયરાના મંચ પરથી સાંભળેલું   ત્યારે જ   દિલને  સ્પર્શી ગયું હતુ  અને  એટલે જ  આ સામગ્રી   મારા પૂરતી ન રાખતા  તમારી સાથે Share   કરું છું.  મિત્રો…    ગીતના  વિષયતત્વનુ બારીકાઇથી ચિંતન  કરવાથી   આપણને આપણો જ   પડછાયો ગીતમા    હૂબહુ  દેખાઇ આવશે.. આ મારો  દાવો નથી.. પણ… વિશ્વાસ છે.. અને  જો  એમ ના થાય તો..   માનજો કે  આપણા    ’હોવાપણા’  મા કંઇક   ખામી છે.. ગીતનુ શબ્દાંકન  એ એમની સશક્ત કલમ અને કવિત્વનો તો  પૂરાવો છે  જ પણ સાથે  સાથે  ગીતનું સ્વરાંકન  અને એમના અવાજની ખૂબસૂરતી… ક્યા બાત  હૈ.. મિત્રો..  આ ત્રણે વાતનો સમન્વય ત્યારે જ શક્ય બને .. જ્યારે ..  માનવી બંને હાથ જોડી  નતમસ્તકે  મા સરસ્વતીના  ચરણમા  પથરાયો હોય અને મા સરસ્વતીનો હાથ મસ્તક પર ધરાર અડ્ડી ને  હોય…  મિત્રો.. આ  તો  મારા દિલની વાચા છે એટલા માટે  આટલુ લખી ગયો..  બાકી ..    આમ પણ   આ  મુન્શી ત્રિપુટિ  ડો.શ્યામલભાઇ, શૌમિલભાઇ અને આરતીબેન થી  ગુજરાતી સાહિત્યજગત ક્યાં અજાણ્યુ છે..  શ્યામલભાઇના  કાવ્યપઠન પછી  શ્રોતા અને ભાવકોની  દાદ … તમે જાતે જ જોઇલો ને…


ડૉ. શ્યામલ મુન્શી

 (વીડિયો સૌજન્ય :  શિકાગો આર્ટ સર્કલના ભંડોળ માંથી )


Friday, January 6, 2012

હાથ જાણીતો ન હોવો જોઈએ, પીઠમાં ખંજર હશે તો ચાલશે.

સાવ નાનું ઘર હશે તો ચાલશે,
મોકળું ભીતર હશે તો ચાલશે.

... બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.

હાથ જાણીતો ન હોવો જોઈએ,
પીઠમાં ખંજર હશે તો ચાલશે.

ધરતી કોરીકટ રહે તે કરતાં તો-
છાપરે ગળતર હશે તો ચાલશે.

હાથ લંબાવું ને તું હોય ત્યાં,
એટલું અંતર હશે તો ચાલશે.

પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં,
એ ભલે પથ્થર હશે તો ચાલશે.
- હેમાંગ જોશી
 

Wednesday, January 4, 2012

તમે પાંપણને પલકારે વાત કહી કંઈ, મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ - હરીન્દ્ર દવે





કે તમે પાંપણને પલકારે વાત કહી કંઈ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ.
 

આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઈ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ.
 

આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લઇ ગઈ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ.

- હરીન્દ્ર દવે
સ્વરાંકન : આશિત દેસાઈ
સ્વર : આલાપ દેસાઈ
( આખું ગીત સાંભળવા ક્લિક કરશો ) 
Courtesy: http://rankaar.com/blog/archives/1106

 
 

Thursday, December 29, 2011

આંખમાં દઇ નિરાંતનું સપનું, દોડતો મારોમાર રાખ્યો તેં!!!

 
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં!!!

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં!!!
 
કોણ છું કોઈ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં!!!

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં!!!

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં!!!
 
- મનોજ ખંડેરીયા 
 
- સ્વર/સ્વરાંકન: રવિન નાયક
 
( ગઝલ સાંભળવા આ લીંક પર ક્લિક કરશો )

http://rankaar.com/blog/archives/940

Tuesday, December 20, 2011

કોઇ અર્થ્ નથી...

મિત્રો,
15-16 કલાક ના હરેક દિન ના કાર્યકાળ બાદ નીકળેલ અમુક શબ્દો( કેટલાક બીજા નાં,
કેટલાક ગૂગલ માંથી અને કેટલાક ખુદ આ ગબ્બર નાં) !!! - Jay Vora



હવે તને જોવાનો કોઇ અર્થ્ નથી...


મને, મારા વિચારો ને સમજી શકે એવુ તારુ દીલ નથી...

તુ તરછોડયા કરે અને હુ તને ચાહ્યા કરુ આ વાત મને મંજુર નથી...

આંખો રડી, દીલ રડ્યુ, હવે આંસુ સારવાનો કોઇ અર્થ નથી...

ભલે હુ હારયો ને તુ જીતી પણ મારી હાર જેવો દમ તારી જીત મા નથી...



મારા મન ને સમજી શકે એવી તારી આત્મા નથી...

તને પામી શકુ એવી કોઇ રેખા મારા હાથ મા નથી...

નશીબદાર એ હશે કે જેના નશીબ મા તુ હોઇશ...

હુ તને અને તુ જોવે બીજા ને,..

એટલે કહુ છુ...
"હવે તને જોવાનો કોઇ અર્થ નથી..."

જો પ્રેમ નું આજ પરિણામ છે, તો પ્રેમ કરવાનું મને મન નથી!

જો મને તારા જેવી જ મળવાની હશે, તો મારા જીવવાનો પણ કોઇ અર્થ નથી!

હું લખું અને તું વાંચી ના શકે, અને વાંચે તો સમજી ના શકે,


એવી મારી આ ગઝલ નો કોઇ અર્થ્ નથી..!

અને છેલ્લે, પ્રામાણિક રીતે મારું મન કહે છે,

"ભઈલા આપણે આપણું કામ કરો, આમાં સમય બગાડવા નો કોઇ અર્થ નથી! "

Friday, December 9, 2011

તો સાચો કહું - અશરફ ડબાવાલા

શબ્દથી જો સાંકળો ખખડાવ તો સાચો કહું,
ને કલમથી બારણાં ખોલાવ તો સાચો કહું.
 
પાંપણો પર અંધકારે સ્વપ્ન તો લઈ સૌ ફરે;
ક્યાંક ઊંડે જ્યોત તું પ્રકટાવ તો સાચો કહું.

સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ;
રોજનાં મેદાનમાં જો આવ તો સાચો કહું.

તું મદારી જેમ ના છેતર ઘડીભર આંખને;
મૂળમાં જઈ જીવને ભરમાવ તો સાચો કહું.

આ બધા મોઘમ ઈશારા ને વિનવણી વ્યર્થ છે;
તું સમયને રોકડું પરખાવ તો સાચો કહું.

-અશરફ ડબાવાલા

Tuesday, November 22, 2011

જીવન છે કુરુક્ષેત્ર,આપણે જ કૌરવ-પાંડવ, અધર્મથી લડીશું, હવે કુરુક્ષેત્ર છોડવું નથી.




ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી,
વિષ મળે યા અમૃત, મુખ મોડવું નથી .

જીવન છે કુરુક્ષેત્ર,આપણે જ કૌરવ-પાંડવ,
અધર્મથી લડીશું, હવે કુરુક્ષેત્ર છોડવું નથી.

એની નિયતી મુજબ એ ખુદ ખરી જશે
હાથે કરી મારે એકે ફૂલ તોડવું નથી.

સપનામાં બીજ હોય છે હકીકતનું ઘણીવાર,
એકેય નાજુક સ્વપ્ન હવે રોળવું નથી.

મન છે દર્પણ સમ , ઠેસ લાગતાં જ તુટે,
સંજોગોના પથ્થરથી એ દર્પણ ફોડવું નથી.

પડઘાય છે શહેરમાં કઇં કેટલા અવાજો,
કર મૌનથી સંવાદ 'જય' ! કઇં બોલવું નથી.

- નિમિશા મિસ્ત્રી

Saturday, November 5, 2011

કટકે કટકે – આસિમ રાંદેરી

Aasim_Randeri2
રૂપ સિતમથી લેશ ન અટકે,
પ્રેમ   ભલેને   માથું   પટકે !

આપ   જ  મારું    દૃષ્ટિ-બિન્દુ,
હોય ભ્રમર તે જ્યાં ત્યાં ભટકે.

પ્રેમ-નગરના ન્યાય નિરાળા,
નિર્દોષો   પણ   ફાંસી   લટકે.

બચપણ,  યૌવન, વૃદ્ધાવસ્થા,
જીવન   પણ   છે  કટકે કટકે.

રૂપના ફંદા ડગલે ડગલે,
દિલ-પંખેરું ક્યાંથી છટકે?

પાપ નહીં હું પ્રેમ કરું છું,
ના મારો ફિટકારને ફટકે.

એ જ મુસાફિર જગમાં સાચો,
જેની પાછળ મંઝિલ ભટકે.

દીપ પતંગને કોઈ ન રોકે,
પ્રીત અમારી સૌને ખટકે.

નજરોના આવેશને રોકો,
તૂટી જશે દિલ એક જ ઝટકે.

ઊંધ અમારી વેરણ થઈ છે,
નેણ અભાગી ક્યાંથી મટકે?

એ ઝુલ્ફો ને એનાં જાદૂ :
એક્ એક્ લટમાં સો દિલ લટકે.

એક્ એક્ શે’રમાં કહેતો રહ્યો છું,
પ્રેમ-ક્હાણી કટકે કટકે.

પ્રેમનો મહિમા ગાતાં રહેવું,
જ્યાં લગી ‘આસિમ’ શ્વાસ ન અટકે.
- આસિમ રાંદેરી

Tuesday, October 25, 2011

કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું!!!


ocean.jpg

હૈયે તો છું  પણ હોઠેથી  ભુલાઈ   ગયેલો માણસ છું,
હું  મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ  ગયેલો  માણસ છું.

સૌ  જાણે છે કે  ચાવું છું  પાન હું  હંમેશા મઘમઘતાં,
હર  પિચકારીમાં  રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા  છે શ્વાસ બધા,
જીવું    છું   ઝાંખું પાંખું હું  ભુંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી  રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

કયારેક   એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક  સાવ બજારૂ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે 'જય',
કોને  કહેવું  હું  મારાથી   રિસાઈ  ગયેલો   માણસ છું.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Wednesday, September 28, 2011

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે!

 
 
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

Tuesday, September 13, 2011

શબ્દ ક્યારેક તીર લાગે છે,કોઈ વેળા લકીર લાગે છે!


મિત્રો,

આ પળે જ્યારે પન્નાલાલ પટેલ ની 'માનવીની ભવાઈ' વાંચી રહ્યો છું, ત્યારે મને ખૂદને જ 
'મને સહેજ મારાથી અળગો કરી દઉં' એ વિચાર આવ્યો અને આ રચનાઓ આપને Share કરવાની ઇચ્છા થઈ ગઈ.
'અમુક શબ્દો ક્યારેક તીર લાગે છે' !!!

Go through each line and try to understand the in-depth meaning!

                                                                 *
મારુ સઘળુ એ ધ્યાન લઈ બેઠા,
જાણે ઈશ્વરનુ સ્થાન લઈ બેઠા,

માત્ર સરનામુ એમણે દીધું;
ને અમે ત્યાં મકાન લઈ બેઠા.  


*
ટોચની આ કલ્પના ક્યાં તળ વગર ?
શક્યતા ક્યાં વૃક્ષની કુંપળ વગર ?

છાપ સિક્કાની મને બન્ને ગમે;
માત્ર તું એને ઉછાળે છળ વગર.
*


શબ્દ ક્યારેક તીર લાગે છે,
કોઈ વેળા લકીર લાગે છે.

કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.

જેને વૈભવ મળે છે અંદરથી,
બહારથી એ ફકીર લાગે છે.
*


મને સહેજ મારાથી અળગો કરી દઉં,
તને પામવાનો હું રસ્તો કરી દઉં.

નદી ક્યાંક મંઝિલથી ભટકી પડે ના,
હું પર્વતની નીચે જ દરિયો કરી દઉં.
- ગૌરાંગ ઠાકર
(સૌજન્યઃ વૈભવ દેસાઈ)

Saturday, May 14, 2011

અમે વારસાગત સમસ્યાના માણસ !

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’ થી ‘સદી’ની અનિદ્રાના માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ,
સડકવંત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર, ખીણ, ધુમ્મસ, સૂરજ  કે કશું નૈં ?
‘ટુ બી-નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું,
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
હતા આપણે મૂળ તડકાના માણસ.

 - ભગવતીકુમાર શર્મા

Saturday, April 30, 2011

વાંસલડી ડૉટ કૉમ - કૃષ્ણ દવે



krishna_PG11_l


વાંસલડી ડૉટ કૉમ(.com),
મોરપિચ્છ ડૉટ કૉમ,
ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?


ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર(Enter) કરીએ ને ક્યાંક ફ્લૉપી(Floppy) ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં(Disk) તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…


ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…


એ જ ફક્ત્ પાસવર્ડ(Password) મોકલી શકે છે જેના સ્ક્રીન(Screen) ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ(Virus) ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ(Internet) ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો(Window) ના વાખું.
કાનજીની વેબસાઈટ…

Monday, March 28, 2011

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને !

Today I attended a Gujarati Musical Program at town hall, Gandhinagar sec-17 organized by Shivranjani, performed by Desai Trio (Aasit,Hema and Aalap) and heard a touching Gazal.



Here it is:




ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,


સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,


આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,


કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,


આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,


એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.
- બેફામ