હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.
સૌ જાણે છે કે ચાવું છું પાન હું હંમેશા મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.
પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખું પાંખું હું ભુંસાઈ ગયેલો માણસ છું.
પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.
કયારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારૂ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.
સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે 'જય',
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
No comments:
Post a Comment