Friday, February 15, 2013

અત્યારે કાં વીજળી નો ઘોંઘાટ, મારું મૌન નઈ સાંભળવાનું? હાલ જ તો શિયાળો પત્યો, ઉનાળા ને કૂદી જવાનું?







હે ઇશ્વર,

ગજબ હોં તુ તો!



અત્યારે કાં વીજળી નો ઘોંઘાટ,
મારું મૌન નઈ સાંભળવાનું?

હાલ જ તો શિયાળો પત્યો,
ઉનાળા ને કૂદી જવાનું?

હમણાં જ તો જન્મ્યો,
ને તરત જ મોત મોકલવાનુ?

જીત ની ખુશી હજી ઓસરી નથી,
ને આવ્યું બીજી લડત લડવાનું?

હાલ જ તો તરતાં શીખવાડ્યું,
ત્યાં તો પૂર લાવવાનું?

હમણાં તો આંખ મીંચી'તી મેં,
ત્યાં જ સૂરજ ને ઉઠવાનું?

જે સુખ ને હું જીવ ની જેમ સાચવું,
એને એક દિ' ના મેહમાન નીકળવાનું?

હું તો સમંદર જેવું વિશાળ મન રાખી ને જીવું,
તો તારે ઓટ લાવ્યા કરવાનું?

સોય માં માંડમાંડ દોરો પરોવ્યો,
ત્યાં જ કોકડી ને ખૂટી જવાનું?

મસ્ત સપનાં સજાવી આગળ દોડયો ભર તડકે,
ત્યાં જ મ્રુગજળ ને ઓસરી જવાનું?

વસંત માં ગુલમહોર થઈ ખીલવાની વાત હતી,
ને પાનખર થઈ વરસી પડવાનું?

કાચ જેવી પારદર્શિતા અપનાવી મેં,
તો તારે પથ્થર સાથે ટકરાવવાનું?

મંજીલ ભણી નીકળ્યો 'જય' કરવા,
ત્યાં તારે સાંજ થઈ ત્રાટકવાનું?

હાથ ફફડે આ લખતાં લખતાં,
ત્યાં જ શાહી નું ખૂટી જવાનું?

- જય વોરા

No comments: